ધાર્મિક કથા : ભાગ 126 રમા એકાદશી 🌷🕉️🕉️🕉️🌷 આજે એકાદશીનો પર્વ છે. હિન્દુ ધર્મમાં એકાદશીનુ વિશેષ મહત્વ રહેલુ છે. કારતક મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી દિવાળીનાં ચાર દિવસ અગાઉ આવે છે. આ એકાદશીનું મહત્વ અન્ય એકાદશી કરતા વિશેષ હોય છે કારણ કે ચર્તુમાસની અંતિમ એકાદશી હોય છે. રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી નામવામા આવે છે. આસો મહિનાના વદ પક્ષની એકાદશીએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. દિવાળીના ચાર દિવસ પહેલાં આવતી આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીના રમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એટલે તેને રમા એકાદશી કહેવામાં આવે છે. પદ્મ પુરાણમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. મુચુકુંદ નામના એક રાજા હતાં. તેમની ચંદ્રભાગા નામની દીકરી હતી, જેના લગ્ન રાજા ચંદ્રસેનના દીકરા શોભન સાથે થયાં હતાં. એક દિવસ શોભન પોતાના સસરા રાજા મુચુકુંદના ઘરે આવ્યાં. તે દિવસે એકાદશી હતી. શોભને એકાદશીના વ્રતનો સંકલ્પ લીધો. ચંદ્રભાગાને ચિંતા થઇ કે પતિ ભૂખ્યો કેવી રીતે રહેશે. રાજ્યમાં બધા એકાદશીનું વ્રત રાખતાં હતાં અને કોઇ અનાજ ખાતું નહોતું. શોભને વ્રત રાખ્યું પરંતુ તે ભૂખ્યા રહેવું સહન કરી શક્યો નહીં અને તેનું મૃત્યુ થઇ ગયું. જેથી ચંદ્રભાગા ખૂબ જ દુઃખી થઈ. શોભનને રમા એકાદશી વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં તે શરીર સાથે મંદરાચલ પર્વતના શિખર ઉપર ઉત્તમ દેવનગર મળ્યું. ગંધર્વ તેની સ્તૃતિ કરતાં હતા અને અપ્સરાઓ સેવામાં જોડાયેલી હતી. એક દિવસ જ્યારે રાજા મુચુકુંદ મંદરાચલ પર્વત પર આવ્યાં ત્યારે તેમણે પોતાના જમાઈનું વૈભવ જોયું. પાછા જઇને તેમણે ચંદ્રભાગાને જણાવ્યું તો તે ખૂબ જ પ્રસન્ન થઇ. ત્યારબાદ તે પોતાના પતિ પાસે જતી રહી અને પોતાની ભક્તિ અને રમા એકાદશીના પ્રભાવથી શોભન સાથે સુખપૂર્વક રહેવા લાગી. આમ, રમા એકાદશીના દિવસથી જ લક્ષ્મીપૂજાની શરૂઆત થઇ જાય છે અને દિવાળીએ મહાપૂજા કરવામાં આવે છે. આ એકાદશી વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જાય છે. આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય આપનારું માનવામાં આવે છે. તેથી કોઇ વ્યકિત આ એકાદશીનું વ્રત રાખે છે, તેને દિવસ દરમિયાન પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુને તુલસીનું પાન જરૂરથી અર્પણ કરવાના રહે છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી દેવીનું પણ પૂજન કરવુ પડે છે, ત્યારબાદ બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું પડે છે. આ ઉપરાંત એકાદશીના વ્રતમાં ચોખા ખાવાની સખ્ત મનાઇ હોય છે. પુરાણો પ્રમાણે રમા એકાદશી વ્રતથી કામધેનુ અને ચિંતામણિ સમાન ફળ મળે છે. આ વ્રતને કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. મૃત્યુ પછી વિષ્ણુ લોક મળે છે. રમા એકાદશીમુહૂર્તનું વ્રત તારીખ 21 ઓક્ટોબર શુક્રવારના રોજ મનાવવામાં આવશે. શુક્લ યોગ આ દિવસે સવારથી જ શરૂ થશે. જે સાંજે 5.48 કલાક સુધી ચાલશે. ત્યારપછી બ્રહ્મયોગ શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, આ બંને યોગ પૂજા માટે શુભ માનવામાં આવે છે. રમા એકાદશી વ્રતની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 7.50 થી 09.15 સુધીનો રહેશે. સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)