ધાર્મિક કથા : ભાગ 127 વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા. 🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️ દરેક તહેવારને મનમુકીને ઉજવવામાં માનતા આપણા સૌ કોઇ માટે દિવાળીનો તહેવાર સૌથી મોટો અને ખાસ હોય છે. પાંચ દિવસ ચાલતો આ તહેવાર એકાદશી, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઇબીજ આ બધા તહેવારો આવે છે. ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી મંદિરો અને ઘરે ઘરે રોશનીઓ દિપ પ્રાગટય દ્વારા આ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. વાઘબારસ કે વાગ બારસના બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાગબારસ એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી. આખું વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલાવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહીં તેનુ ધ્યાન રાખવું. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતિ અને એટલે જ સરસ્વતિને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતિદેવી આપણી વાચા, ભાષાને સારી રાખે અને બુધ્ધિ ભ્રષ્ટ ન કરે આચાર-વિચાર સારા રાખે તે માટે થઇને સરસ્વતિની પૂજા કરવી જોઇએ. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યું અને વાઘના સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ, જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે. વાઘ બારસ કોઇ ધાર્મિક કથા નથી પણ વિદ્વાનો કહે છે માં અંબાની સવારી વાઘ ઉપર છે તેથી ”વાઘ”નું મહત્વ છે અને તહેવાર સાથે જોડયો છે. પર્યાવરણની સમતુલા માટે આપણી સરકારે વાઘના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી વાઘની રક્ષા કરી છે અને જેમ ”નાગપંચમી” નાગને મહત્વ આપી તહેવાર મનાયો છે તે પ્રમાણે વાઘ બારશે વાઘને બારશ સાથે જોડવામાં આવે છે. વાઘબારસ ગૌવત્સદ્વાદશી કે ગુરુદ્વાદશી તરીકે પણ ઓળખાય છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આ દિવસને તહેવાર માની ગાય અને વાછરડાંની પૂજા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ વાઘબારસના દિવસે ગાયો ચરાવવાની શરૂઆત કરેલી. એટલે દિવસે ગાયનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે. પૌરાણિક કથા મુજબ એક વખત મિત્રોને ગાયો ચરાવવા જતા જોયા પછી ભગવાન કૃષ્ણે પણ જીદ પકડી, ત્યારે માતા યશોદા ચિંતામાં મુકાઇ ગયા. બહુ જીદ કરતા આખરે આસો વદ બારસના દિવસથી ભગવાનને ગાયો ચરાવવા મોકલવા નક્કી કર્યું. ગાયોને શણગારી, પૂજા કરી ચરાવવા મોકલેલા. આખો દિવસ ભગવાન ક્યારે પાછા ફરશે એની ચિંતામાં ગોપીઓને ફક્ત ફણગાવેલા અનાજ પર દિવસ નીકળી ગયો. આથી બચ્છબારસ અને ત્યારબાદ અપભ્રંશ થઇ વાઘબારસ એવું નામ પડ્યું એમ કહેવાય છે. આજના દિવસે નાણાકીય લેવડ-દેવડના ખાતા બંધ થાય છે અને લાભપાંચમના દિવસથી ફરી શરૂ થાય છે. રમા એકાદશી બાદ વાઘબારસથી દીપાવલી પર્વની શૃંખલાની શરૂઆત થાય છે. લોકો પોતાના ઘરના આંગણામાં સુંદર રંગોળી કરી ઉજવે છે. આપ સૌને દિપાવલીનાં તહેવારોની ખુબ ખુબ શુભેચ્છાઓ.. 🌹 ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)