ધાર્મિક કથા : ભાગ 135
ગુરૂ નાનક જયંતિ
👏💐👏💐👏💐
શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનકસાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરૂ પૂરબ તરીકે પણ ઓળખાય છે. ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે 1469 માં લાહોરથી નજીક 40 કિલોમીટરે આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મેહતા હતું અને માતાનું નામ તૃપતાજી હતું. એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં દાયણ દૌલતાં આનંદવિભોર થઇ ગઇ. મહેતા કલ્યાણદાસને વધાઇ આપતાં બોલી, ‘તમારે ત્યાં કોઇ અવતારી પુરુષનો જન્મ થયો છે. હું તો તેનાં દર્શનથી જ નિહાલ થઇ ગઇ.’ ચારે તરફ આનંદ છવાઇ ગયો. ભાઈ ગુરુદાસજી લખે છે કે આ સંસારના ત્રાસી ગયેલ પ્રાણીઓને સાંભળીને અકાળ પુરખ પરમેશ્વરે આ ધરતી પર ગુરુનાનકને પહોચાડ્યા. ‘ सुनी पुकार दातार प्रभु गुरु नानक जग महि पठाइया।’ તેમના આ ધરતી પર આવવા પર ‘ सतिगुरु नानक प्रगटिआ मिटी धुंधू जगि चानणु होआ’. સત્ય છે કે નાનકનું જન્મસ્થળ અલૌકિક જ્યોતિથી ભરાઈ ગયું હતું. તેમના મસ્તકની પાસે તેજ આભા પ્રસરેલી હતી. પુરોહીત પંડિત હરદયાલે જ્યારે તેમના દર્શન કર્યા ત્યારે જ તેમને ભવિષ્યવાણી કરી દિધી હતી કે આ બાળક ઈશ્વર જ્યોતિનું સાક્ષાત અલૌકિક સ્વરૂપ છે. નાનકને પાઠશાળામાં ભણવા મોકલવામાં આવ્યા તો પંડિતજી પાટી પર જે મૂળાક્ષર લખી આપે નાનક તે મૂળાક્ષરથી શરૂ થઇ પ્રભુસ્તતિની કાવ્યપંકિત લખી નાખતા. પંડિતજીએ પિતા કલ્યાણદાસને કહ્યું કે નાનક તો જન્મથી જ જ્ઞાની છે તેને હું શું ભણાવું? કાજી પાસે મોકલ્યા તો તેમનો પણ એ જ અનુભવ રહ્યો. માતા અને બહેન નાનકથી વારી વારી જતાં. પિતા કલ્યાણદાસ વ્યાપારી મનોવૃત્તિના હતા. તેથી તેમણે વિચાર્યું નાનક ભણતો નથી તો તેને વેપારમાં પલોટવો જોઇએ. પિતાએ નાનકને વીસ રૂપિયા આપ્યા અને કહ્યું કોઇ લાભનો સોદો કરી આવો. નાનક પોતાના મિત્ર બાલાને લઇને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગને સચ્ચા સૌદા કહેવામાં આવે છે. આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનકીનાં લગ્ન જયરામજી સાથે થયાં હતાં. તે નાનકને પોતાની સાથે સાસરીમાં લઇ ગઇ જયાં જયરામજીએ સુલતાનપુરના નવાબ દોલતખાનના મોદીખાનામાં નાનકને નોકરી પર રખાયા ત્યાં પણ નાનક ગરીબોને મફત અનાજ આપી દેતા. ગણતરી વખતે તેરનો આંકડો આવે ત્યારે તેરા-તેરા સબ કુછ તેરા (હે પ્રભુ તારું જ છે.) એમ પ્રભુલીન થઇ જતા. કેટલાક ઇર્ષાળુ કર્મચારીઓએ નવાબને ફરિયાદ કરી, નાનક તમારું અનાજ લૂંટાવી રહ્યા છે. હિસાબ જૉવામાં આવ્યો તો ખોટને બદલે ઉપરથી નફો થયેલો હતો. નવાબે માફી માગી છતાં નાનકે તે નોકરી છોડી દીધી. તેમનાં લગ્ન સુલક્ષણી નામની સન્નારી સાથે થયાં હતાં. તેમને ત્યાં બે પુત્રોનો જન્મ પણ થઇ ચૂકયો હતો. એક શ્રીચંદ અને બીજા લક્ષ્મીચંદ. હવે ગુરુનાનકે ઇશ્વરીય સંદેશ જગતમાં ફેલાવવાના હેતુથી પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમના બે સાથી હતા. એક હિન્દુ મિત્ર બાલા, બીજો મુસ્લિમ મરદાના. બાવીસ વર્ષના ભ્રમણ પછી કરતારપુર પોતાને ગામ આવ્યા. ખેતી કામ કરવા લાગ્યા. ગરીબો માટે લંગર (મફત ભોજન) શરૂ કર્યા. આમ પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો. આમ જુઓ તો નાનપણથી જ ગુરુનાનકનું મન આધ્યામિક જ્ઞાન તેમજ લોક કલ્યાણના ચિંતનમાં ડુબેલ હતું. બેઠા બેઠા ધ્યાન મગ્ન થઈ જતાં હતાં અને ક્યારેક ક્યારેક આ અવસ્થા સમાધિ સુધી પહોચી જતી હતી. ગુરુનાનક દેવજીનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતાં. તેમણે સાંસાર
િક
યથાર્થથી સંબંધ નહોતો તોડ્યો. તેઓ સંસારના ત્યાગ અને સંન્યાસના વિરોધી હતાં કેમકે તેઓ સહજ યોગના હામી હતાં. તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહીં જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવી એ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો. ‘नाम जपना, किरत करना, वंड छकना’ સફળ ગૃહસ્થ જીવનનો મંત્ર આપ્યો. આ જ ગુરુ મંત્ર શીખ ધર્મની મુખ્ય આધારશીલા છે. એટલે સાચા મનથી ઇશ્વરનું નામ જપો, ઈમાનદારી અને પરિશ્રમથી કામ કરો તેમજ ધન દ્વારા દુ:ખી, અસહાય અને જરૂરતમંદ લોકોની સેવા કરો. ગુરુ ઉપદેશ છે કે ‘ घाल खाये किछ हत्थो देह। नानक राह पछाने से।’ આ રીતે ગુરુનાનકજીએ અન્નને શુધ્ધતા, પવિત્રતા અને સાત્વિકતા પર જોર આપ્યું. નાનકજીએ બધા જ ધર્મોને શ્રેષ્ઠ ગણાવ્યાં છે. જરૂરત છે ધર્મના સત્ય જ્ઞાનને આત્મસાત કરીને પોતાના વ્યવહારિક જીવનમાં લાવવાનું. ગુરુજીએ ધાર્મિક તેમજ સામાજીક વિષમતાઓ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે વાણીની અંદર હિન્દુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ રોપ્યા. તેમનું માનવું હતું કે સંપુર્ણ સૃષ્ટીના ઈશ્વર એક જ છે. આપણે બધા તો તેના બાળકો છીએ. આપણો ધર્મ એક છે. ગુરુજી સ્વયં પણ એકેશ્વરમાં પુર્ણ વિશ્વાસ રાખે છે. તેમનો દ્રષ્તિકોણ સમન્વયવાદી હતો.
તેઓ કહે છે- ‘सबको ऊँचा आखिए/ नीच न दिसै कोई।’. ઉંચનીચનો ભેદભાવ દુર કરવા માટે ગુરુજીએ કહ્યું કે હું સ્વયં પણ ઉંચી જાતિ કહેનારાઓની સાથે નથી પરંતુ જેમને નીચી જાતિના કહેવામાં આવે છે તેમની સાથે છું. તેમનો ઉપદેશ છે – કિરત કરો: પરિશ્રમ કરી કમાઓ. વહેંચીને ખાઓ અને જરૂરિયાતવાળાને દાન કરો. નામ જપો અને પ્રભુ ભકિત કરો. સત્કર્મ કરો. ઇશ્વર એક છે. આપણે સૌ તેમનાં સંતાન છીએ. સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખો. સાદું અને પવિત્ર જીવન જીવો. તેમના શિષ્યો જ સિકખ કે શીખ કહેવાયા. તેમના પરમ જયોતિમાં લીન થવા વિશે એવી વાયકા છે કે ઇ.સ.૧૫૩૯ બાવીસમી સપ્ટેમ્બર, ભાદરવા વદ દસમે તેમણે સ્વેરછાએ દેહત્યાગ કર્યો. હિન્દુ-મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ ખૂબ વ્યથિત થયા. સાથે મતભેદ પેદા થયો. હિન્દુ તેમના અંતિમ સંસ્કાર કરવા માગતા હતા જયારે મુસ્લિમ તેમને દફનાવવા માગતા હતા પણ જયારે ચાદર હટાવવામાં આવી તો ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો.
🪔 તેમનો જન્મ રાત્રિના સમયે થયો હોઈ ગુરૂ નાનક જયંતિની રાત્રે જાગરણ કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટીએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ રાત્રે કિર્તન અને સત્સંગ કરે છે. ગુરૂ મહારાજના પ્રકાશ (જન્મ) સમયે ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શ્રદ્ધાળુઓ સ્નાનાદિ કરીને પાંચ વાણીનો ‘નીત નેમ’ એટલે કે દૈનીક પ્રાર્થના કરીને ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કરે છે. આ દિવસે પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો ખાસો મહિમા છે.
ગુરૂ નાનકદેવજીએ નીષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ ત્રણ નિયમો છે ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન. ગુરૂ નાનકજયંતિના બે દિવસ પહેલા ગુરૂદ્વારાઓમાં ગુરૂ ગ્રંથ સાહેબનો અખંડ પાઠ કરવામાં આવે છે. આવી મહાન વિભૂતિ એવા ગુરૂ નાનક સાહેબનાં ચરણોમાં શત શત કોટી ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877